અમીરગઢ નેશનલ હાઈવે ભડથ પાટિયા નજીક ટ્રક, ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે, મળેલ જાણકારી અનુસાર આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. અકસ્માતના લીધે હાઈવે પર વાહનોની લાંબી લાઈન જોવા મળી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રક અને ટ્રેલર વચ્ચે ઇકો કાર સેન્ડવિચ જેવી બની ગઇ હતી. પતરાં ચીરીને મૃતદેહને બહાર કઢાયો હતો.
અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું
બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ અકસ્માતોની હારમાળા જોવા મળી રહી છે. અમીરગઢ નેશનલ હાઈવે પર ભડથ પાટિયા પાસે ટ્રક, ટ્રેલર અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્રિપલ અકસ્માતની ગોઝારી ઘટનાથી અરેરાટી સાથે પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.
હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો
અકસ્માત થતાં જ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આજુબાજુના લોકો તેમજ વાહન ચાલકોએ ટ્રાફિકને નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. ઘટનાની જાણ અમીરગઢ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને કાબૂમાં લીધો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.