2021નો આઠમો મહિનો એટલે કે ઑગસ્ટથી બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયેલા કેટલાક નિયમો અને સામાન્ય જનતાના રોજબરોજના જીવન સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફાર થવાનો છે. બેંકોમાં થવા જઇ રહેલા આ ફેરફારોથી તમને થોડી મુશકેલી આવી શકે છે.
સેલેરીમાં થશે મોટો બદલાવ
RBI એ નેશનલ ઑટોમેટેડ ક્લિયરિંગ હાઉસ ( NACH)ના નિયમોમાં બદલાવ કર્યો છે જેના લીધે રજાના દિવસે પણ ટ્રાન્જેક્શન શક્ય બનશે. સામાન્ય ભાષામાં કહીએ તો પહેલા જ્યારે તમારી સેલેરી ક્રેડીટ થવાની હોય અને જો ત્યારે શનિવાર કે રવિવાર હોય તો તમને સેલેરી પછીના દિવસે મળતી હતી પરંતુ હવે એવું નથી રહ્યું. હવે રવિવારના દિવસે પણ તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે. એટલે કે હવે ઓટોમેટિક ફંડ ટ્રાન્સફર કરતી સિસ્ટમમાં બદલાવ આવતા રજાના દિવસે પણ ટ્રાન્જેક્શન થશે.
ATM થી ટ્રાન્જેક્શન હવે મોંઘુ
RBIના નિયમ અનુસાર હવે ગ્રાહક બેંકના ATM માંથી દર મહિને 5 ફ્રી ટ્રાન્જેક્શન (નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો સહિત) સુવિધાનો લાભ લઇ શકશે પરંતુ તેના બાદ વિડ્રોલ પર ચાર્જ ભરવો પડશે. RBIએ નાણાકીય લેણદેણ માટે 15-17 રૂપિયા જ્યારે તમામ કેન્દ્રોમાં 5-6 રૂપિયા પ્રતિ લેણદેણ ઇન્ટરચેંજ ફીમાં વધારો કર્યો છે.
પોસ્ટ ઑફિસથી ડોર સ્ટેપ બેકિંગ પણ મોંઘી
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકએ જાહેર કર્યુ કે, હવે ગ્રાહકોને ઘરે બેઠા બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવવા ફી ભરવી પડશે. એટલે કે હવે ડોરસ્ટેપ સર્વિસ મેળવવા વધુ ચાર્જ ભરવા પડશે. 1 ઑગસ્ટથી પ્રત્યેક ડોરસ્ટેપ સર્વિસ માટે 20 રૂપિયા પ્લસ જી.એસ.ટી. પ્રતિ ટ્રાન્જેકશનના હિસાબે ચૂકવવો પડશે. અત્યાર સુધી આ સુવિધા નિ:શુલ્ક હતી.
સિલિન્ડરના ભાવમાં થઇ શકે ફેરફાર
દરરોજ એલ.પી.જી. ના નવા ભાવ જાહેર થાય છે. પાછલા મહિને પણ રસોઇ ગૅસના ભાવમાં વધારો કરાયો હતો.
ICICI બેંકમાં ખાતાધારકો માટે મુશ્કેલી
ICICI બેંકે પણ પૈસા કાઢવાના નિયમોમાં બદલાવ કર્યો છે. હવેથી બેંક બ્રાન્ચમાં જઇને પ્રતિ મહિને 4 ટ્રાન્જેક્શન કરી શકાશે. જો કોઇ ચારથી વધુ વાર પૈસા કાઢે છે તો તેને પ્રતિ ટ્રાન્જેક્શનના હિસાબે 150 રૂ. ભરવા પડશે.