ભગવાન હનુમાન શ્રીરામના પરમભક્ત છે અને તે બાલબ્રહ્મચારી હતા પરંતુ ભારતમાં એક જગ્યા એવી છે કે જ્યાં બજરંગબલી પોતાના પુત્ર સાથે બિરાજે છે. આખા દેશમાં આ એક જ મંદિર એવું છે જ્યાં તેમના પુત્ર સાથે પૂજા થાય છે.
હનુમાનજીનું આ મંદિર દાંડીમાં આવેલુ છે, પુરાણોમાં કહેવામાં આવેલી કથા અનુસાર બજરંગબલીને તેમના પુત્ર વિશે ત્યારે જાણ થઇ હતી જ્યારે તે પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણને છોડાવવા માટે પાતાળલોકમાં ગયા હતા.
આ જ જગ્યાએ તેમણે પોતાના પુત્ર મકરધ્વજ સાથે ભયંકર યુદ્ધ કર્યુ હતુ અને પોતાના જ પુત્રને હરાવીને ભગવાનને તે પાછા લાવ્યા હતા. કહેવામાં આવે છે કે દ્વારકામાં આવેલું આ મંદિર 500 વર્ષ જુનુ છે અને આ દાંડી હનુમાનજીનુ મંદિર ગુજરાતમાં આવેલુ છે તેમજ આખા ભારતમાં તે એકમાત્ર મંદિર છે.
દ્વારકાથી થોડેક દુર બેટ દ્વારકામાં આ મંદિર આવેલુ છે. માન્યતા અનુસાર અહીં જ તેમનુ યુદ્ધ થયુ હતુ અને આ મંદિરમાં હનુમાનજી સાથે તેમના પુત્ર મકરધ્વજની મૂર્તિ પણ સ્થપાયેલી છે. જ્યારે તે મૂર્તિ પધરાવવામાં આવી ત્યારે તે નાની હતી પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તે વધતી ગઇ અને હનુમાનજીની મૂર્તિ જેવી જ થઇ ગઇ હતી.

આ મંદિરને લોકો દાંડી હનુમાનજીના મંદિર તરીકે ઓળખે છે. દ્વારકાના લોકોનું જો માનીએ તો 400 વર્ષ પહેલા દરિયાઇ તોફાનમાં ફસાઇ ગયેલા ખારવાઓને જમીન સુધીનો રસ્તો બતાવવા માટે સ્વયં હનુમાનજી પ્રગટ થયા હતા. ખારવાઓએ હનુમાનજીને આ જ જગ્યાએ રોકાઇ જવાનો આગ્રહ કર્યો હતો અને તે રોકાઇ ગયા હતા. બસ તે જ જગ્યાએ હનુમાનજીનું મંદિર આવેલુ છે.
ખારવાઓને માર્ગ બતાવ્યો હતો તેના કારણે હનુમાનજીને દાંડીવાળા હનુમાનજી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં જે સોપારી ચડે છે જો તે સોપારી એક ગર્ભવતી મહિલા ખાય તો તેને પ્રસવ દરમિયાન ઓછી પીડા થાય છે.