ગુજરાતનું આ ગામ બન્યુ કોરોનામુક્ત, નિયમો પાળીને કોવિડ ભગાવ્યો

સમગ્ર દુનિયા જ્યારે કોરોના સામે લડી રહી છે ત્યારે ભારતમાં પણ બીજી લહેર ચાલી રહી છે. કોરોનાથી કોઇ ગામ કે શહેર બચી શક્યુ નથી. તેવા સમયમાં ઉપલેટા તાલુકાના સંધી કાલરિયા ગામમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

કોરોનાનો એક પણ કેસ ન નોંધાવો તે ખુબ મોટી વાત છે અને તેની પાછળ કોઇ નસીબ નહી પરંતુ નાગરિકોની જાગૃતિ જવાબદાર છે. પહેલાથી જ ગામમાં મેળાવડા, ફેરિયા અને બહારના લોકો આવે તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.



750 લોકોની વસ્તી ધરાવતુ આ ગામ આજે આખા ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યુ છે. એક પણ કેસ નોંધાયો નથી તેમ છતાં ગામમાં ઘેર ઘેર હેલ્થ ચેક અપ થતા રહે છે અને ઉકાળા પણ પીવાય છે.

જ્યારે ભારતમાં કોરોનાની પહેલી લહેર આવી હતી ત્યારે લોકો શહેરમાંથી ગામ તરફ ભાગ્યા હતા કારણ કે ત્યાં શુદ્ધ હવા, પાણી અને ખોરાક મળી રહે છે પરંતુ બીજી લહેરમાં તો કોરોનાએ ગામડા પણ બાકી નથી મૂક્યા ત્યારે જોવા જઇએ તો ગામના લોકોની જાગૃતતાએ તેમને બચાવી લીધા છે.



ગામના સરપંચે આ વિશે વાત કરતા જણાવ્યું કે જ્યારથી કોરોનાની એન્ટ્રી થઇ હતી ત્યારથી જ ગામના લોકોમાં જાગૃતતા ફેલાવવા માટેની કામગીરી શરી કરી દેવામાં આવી હતી. ખાસ કરીને કેટલાક પ્રતિબંધ લાવવામાં આવ્યા હતા અને તહેવારો દરમિયાન પણ સાવચેતી રાખવામાં આવી હતી.



ઉકાળા વિચરણ, સતત થતુ હેલ્થ ચેકઅપ અને સાવચેતીના કારણે આ ગામ કોરોનાપ્રુફ બન્યુ છે. સંધી કલરિયા ગામમાં એક પણ કોરોનાનો કેસ ન નોંધાયો હોવાના કારણે ગુજરાતમાં ઉદાહરણ રૂપે જોવુ જોઇએ.