તમને કોઇ કહે કે પોલીસ કમિશનર નકલી પત્ની સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે તો તમને સાંભળીને નવાઇ લાગશે પરંતુ પૂણેમાં એવુ જ થયુ છે. કમિશનર તે જાણવા ઇચ્છતા હતા કે સામાન્ય લોકોની ફરિયાદને પોલીસ કેવી રીતે ટેકલ કરે છે.
સામાન્ય રીતે જ્યારે પોલીસની વાત આવે ત્યારે લોકોના મનમાં એક કરપ્ટ ઓફીસરની કે પછી લેઝી પોલીસ કર્મચારીની છબિ આવે છે પરંતુ પોલીસ કેટલી સતર્ક છે તે જાણવા માટે પોલીસ કમિશનર વેશપલટો કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. તેઓ જોવા ઇચ્છતા હતા કે સામાન્ય લોકો સાથે પોલીસ સ્ટેશનમાં કેવુ વર્તન થાય છે.
આસિસ્ટન્ટ કમિશનર પ્રેરણા કાટે પણ તેમની સાથે હતા, તે કમિશનરની નકલી પત્ની બનીને આવ્યા હતા અને બંનેએ સાથે મળીને આ વાતની તપાસ પણ કરી હતી.

કમિશનરે ફરિયાદમાં કહ્યું કે કેટલાક બદમાશો તેમની પત્નીને હેરાન કરે છે અને જ્યારે તેમણે વિરોધ કર્યો તો તેમના પર હુમલો પણ કરી દીધો હતો. ફરિયાદ બાદ ઘટનાસ્થળે એક ટીમ મોકલી દેવામાં આવી અને પોલીસ કમિશનરે સ્ટાફની પ્રશંસા કરી હતી.
બીજા પોલીસ સ્ટેશન જઇને તેમણે પત્નીની ચેન ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાં પણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને આ જોઇ કમિશનર ખુશ થઇ ગયા હતા. ત્યાં પણ તેમણે પોલીસ સ્ટાફની પ્રસંશા કરી હતી.

અન્ય એક પોલીસ સ્ટેશનમાં નવા આરોપીઓને સોશ્યલ ડિસ્ટન્સિંગમાં નહોતા રાખવામાં આવ્યા ત્યારે કમિશનરે તેના પર તપાસનો આદેશ જાહેર કર્યો હતો. આ રીતે પોલીસ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરે એક બાદ એક પોલીસ સ્ટેશનમાં જઇને તપાસ આદરી હતી. જ્યાં કામ સારુ હતુ ત્યાં પ્રશંસા કરી અને જ્યાં બેદરકારી દાખવવામાં આવી હતી ત્યાં તપાસનો આદેશ જાહેર કર્યો હતો.