રાજકોટમાં દીકરીના પિતાની અનોખી પહેલ, કંકોત્રીમાં લખાવ્યું કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’

જિલ્લાના હડાળા ગામે યોજાય રહેલા લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ કંકોત્રીમાં એવું કંઈક લખવામાં આવ્યું છે કે જેને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. સમાજ-ગામને વ્યસનમુક્ત બનાવવાની ઇચ્છા

હડાળા મનસુખભાઈ કેશવજી સીતાપરાની અનોખી પહેલ કરી છે. કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે, ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’ દારૂના વ્યસનના સખ્ત વિરોધી કોળી પરિવારના મનસુખભાઈએ કંકોત્રીમાં ચોખ્ખુ લખી નાંખ્યુ હતું. મનસુખભાઈની પુત્રીના આવતીકાલે કડવા પાટીદાર સમાજવાડીમાં લગ્ન છે. કોળી સમાજના મનસુખભાઈએ જણાવ્યું હતું કે, ‘વાયરલ કંકોત્રી મારી જ છે અને મારે સમાજ, ગામ સહિત પરિવારોને વ્યસનમુક્ત બનાવવા છે.’ એવા હેતુ સાથે લગ્નની કંકોત્રીમાં લખાણ લખવામાં આવ્યું છે.

ગઈકાલે વીડિયો વાયરલ થયા હતા

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હજુ ગઈકાલે જ એક લગ્ન પ્રસંગ દરમિયાન દારૂ જાહેરમાં દારૂની બોટલો સાથે ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ કંકોત્રીમાં કરવામાં આવેલી પહેલને લોકો આવકારી પણ રહ્યા છે. તો બીજી તરફ, આ કંકોત્રી ઉપરથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે, દારૂનું દૂષણ કેટલી હદે વધ્યું છે કે એક દીકરીના પિતાએ કંકોત્રીમાં ‘દારૂ પીને ન આવવું’ તેવું લખાવવું પડે છે.

રાજકોટમાં અનેક કિસ્સાઓ સામે આવ્યાં

હાલ લગ્નગાળો ચાલી રહ્યો છે. ત્યારે આ લગ્ન પ્રસંગોમાં દારૂનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં પણ અવારનવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં લગ્ન પ્રસંગ દરમિયાન દારૂ પીવાતો હોય. ત્યારે આવા કિસ્સાઓના કારણે ઘણી વખત લગ્નની મજા કાયદાની સજા પણ બની જતી હોય છે. ત્યારે જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તેમના માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ હોય છે કે તેમને ત્યાં આવતા મહેમાનો દારૂનો નશો કરીને ન આવે જેથી તેમનો પ્રસંગ ન બગડે.