ખુદના પેન્શનના પૈસા ખર્ચ કરીને રસ્તાના ખાડા પૂરે છે આ વૃદ્ધ દંપતિ, ૧૧ વર્ષથી કરી રહ્યા છે આ કામ

રસ્તા પર ચાલતા ખાડાનો સામનો સૌ કોઈને કરવો પડતો હોય છે અને રસ્તા પર ખાડાથી વ્યક્તિને ઘણી સમસ્યા આવે છે. રસ્તા પર ખાડા જોઇને સૌ કોઈ પ્રશાસન પર પોતાની નારાજગી વ્યક્ત કરે છે. પણ ખુદ પ્રેરણા લઈને એ ખાડા પૂરવાની કોઈ પહેલ નથી કરતા. પરંતુ જે લોકોમાં સમાજ પ્રતિ સમર્પણનો ભાવ હોય છે, એ લોકો પ્રશાસનની રાહ જોયા વિના ખુદ જ પ્રશાસન દ્વારા કરવામાં આવતા કાર્યો કરી લે છે. એવા જ એક વૃદ્ધ દંપતિ વિષે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

તેલંગાનાના હૈદરાબાદમાં એક વડીલ પતિ પત્ની ઘણા વર્ષોથી સમાજ સામે એક અનોખી મિસાલ કાયમ કરતા રસ્તાના ખાડા પૂરવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. નવાઈની વાત એ છે કે આ કામ માટે તેઓ કોઈ પાસેથી કે પ્રશાસન પાસેથી પૈસા નથી માંગતા, પરંતુ ખુદના પેન્શનથી જ ખાડા પૂરવાનો ખર્ચ કરે છે. એમને આ વિષે પૂછતા એમણે જણાવ્યું કે આ કામ તેઓ ઘણા વર્ષોથી કરતા આવી રહ્યા છે અને આ રીતે લોકોની મદદ કરવી એમને ખૂબજ ગમે છે.



હૈદરાબાદના રહેનારા ગંગાધર તિલક કટનમે જણાવ્યું કે તેઓ રેલવેના એક રીટાયર્ડ કર્મચારી છે. રીટાયર્ડ થયા પછી તેઓ હૈદરાબાદમાં આવીને વસી ગયા. એમણે જાણ્યું કે આપણા દેશમાં રસ્તા પર ખાડાને લીધે થતી દુર્ઘટનાઓમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થઇ જાય છે તો ઘણા લોકોનો જીવ પણ ચાલ્યો જાય છે. ગંગાધર તિલક આ બાબતે ફરિયાદ પણ કરી ચુક્યા છે, પણ એમને ત્યાંથી કોઈ કાર્યવાહી થતી ના જોવા મળી. એટલે પ્રશાસનની રાહ જોયા વિના ખુદ જ એમણે પ્રશંસનીય કામ કરવાનું ચાલુ કરી દીધું. ગંગાધર તિલકે કહ્યું કે આ કામ કરવા માટે જેટલો પણ ખર્ચ આવે છે એ પોતાના પેન્શનથી જ ઉઠાવે છે.



આ કામ કરવા માટે ગંગાધર તિલકની પત્ની પણ એમનો સાથ આપે છે. ગંગાધર તિલક અને એમની પત્નીએ અત્યાર સુધી ૨૦૦૦ થી વધારે ખાડા પૂર્યા છે. ગંગાધર તિલક જેવા વ્યક્તિ આજના સમયમાં સાચે જ એક મિસાલ બની ગયા છે જે લોકોના મનમાં આ કાર્યથી પરોપકારની ભાવના રોપી રહ્યા છે. વડીલ હોવા છતાં પણ ગંગાધર તિલક દ્વારા કરવામાં આવી રહેલ આ સમાજ કાર્ય કોઈ ચમત્કારથી ઓછું નથી.