સારસ બેલડીની જોડી વિશે તો તમે સાંભળ્યુ જ હશે કે એકનું મૃત્યુ થાય એટલે બીજુ ઝૂરી ઝૂરીને મૃત્યુ પામે છે પરંતુ ભરૂચમાં આવી એક ઘટના સામે આવી છે. જેમાં પત્નીનું મૃત્યુ થતા પતિનું પણ મોત નિપજ્યુ હતુ.
ભાલોદના ડૉ. જયેન્દ્ર સિંહ બારોટ વેટનરી ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અનસુયાબેન સાથે તેમને પ્રેમ થયો હતો અને તેમણે લગ્ન કર્યા હતા. થોડા સમય બાદ તેમના ઘરે વ્હાલસોયી દીકરીનો જન્મ થયો હતો. તેનું નામ તેમણે દર્શના પાડ્યુ હતુ. પતિ પત્ની અને બાળકી સાથે ખુબ પ્રેમથી સમય જવા લાગ્યો હતો. ધીરે ધીરે તેમનો પ્રેમ વધુ ગાઢ થવા લાગ્યો હતો.
ગજબ પ્રેમની મિસાલ
58 વર્ષનું સુખી લગ્નજીવન હતુ અને તેઓ ક્યારેય એકબીજાથી અલગ નહોતા થયા. ક્યારેય ઝઘડતા નહી અને તેમનો પ્રેમ ગાઢ થતો ગયો હતો. જ્યારે પણ મોતની વાત નીકળતી જયેન્દ્રભાઇ કહેતા કે, ‘તારા વગર જીવન શું કામનું હું વચન આપું છું કે તું આ દુનિયા છોડી જઈશ તેના ગણતરીના સમયમાં તારી સાથે આવવા આ દુનિયા છોડી દઈશ. તને એકલી નહિ મુકું.’
આપેલુ વચન નિભાવ્યું
દંપતિને સાથે કોરોના થયો હતો અને રાજપીપળાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જ અનસુયાબેન વૈકુંઠ પામ્યા હતા. જયેન્દ્ર સિંહને આ વાતની જાણ નહોતી કરવામાં આવી. એક તરફ અનસુયાબેનની લાશને સ્મશાન લઇ જવામાં આવી અને એક જ કલાકની અંદર જયેન્દ્ર સિંહનું પણ મૃત્યુ થયુ હતુ.
પતિ પત્ની સાથે જીવ્યા, સાથે પ્રેમ કર્યો અને સાથે જ તેમણે સ્વર્ગની વાટ પકડી. આ કિસ્સો ખરા અર્થમાં સારસ બેલડીને સાર્થક કરતો કિસ્સો કહી શકાય તેવો છે. સાત જન્મ સાથે રહેનારા વાયદા કદાચ લોકો પૂરા નથી કરી શકતા પરંતુ જયેન્દ્ર ભાઇએ સાથે જીવવા અને મરવાના કોલને પૂરા કર્યા છે. આજે તેમનો પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે.