લગ્ન હોય તો ઘરમાંથી બહાર ન જવાય, આવી પરંપરાને શિક્ષણ માટે રાજકોટની શિવાંગીએ પડકાર ફેંક્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ થયેલી પરીક્ષામાં પાનેતર પહેરીને દુલ્હન પહોંચી ગઇ તો બધા જોતા જ રહી ગયા હતા.
મૂર્હુત કોમ્પ્રોમાઇઝ થશે પરીક્ષા નહી
લગ્ન પહેલા પરીક્ષા આપનાર શિવાંગીએ જણાવ્યું હતું, હું આજે બેચલર ઓફ સોશિયલ વર્કની પરીક્ષા આપવા આવી છું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સમાજીક કાર્ય કરવું એ મારા જીવનનું એક મહત્વનું કાર્ય છે. જેના માટે અભ્યાસ કરવો જરૂરી છે અને એટલે જ આજે હું મારી પરીક્ષા આપવા આવી છું. જયારે લગ્નની તારીખ નક્કી થઈ ત્યારે પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ હતી. માટે અમે લગ્નનું મહુર્ત થોડું મોડું નક્કી કર્યું અને પહેલા હું એક્ઝામ આપવા આવી છું.
BSW ભણે છે શિવાંગી
ઉલ્લેખનીય છે કે શિવાંગી હાલ BSWનો અભ્યાસ કરે છે. આજે BSW સેમ-5ની પરીક્ષા છે. ત્યારે શિવાંગી લગ્ન પહેલા પોતાના પતિ સાથે કોલેજે પરીક્ષા આપવા પહોંચી હતી.શિવાંગીએ અભ્યાસને મહત્વ આપવાં માટે લગ્નના દિવસે જ પ્રભુતામાં પગલા પાડે તે પહેલા દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી. ત્યારબાદ પોતાના લગ્ન મંડપમાં લગ્ન કરવા માટે વિધીમાં જોડાઈ હતી. આમ લગ્ન પહેલા શિક્ષણને મહત્વ આપી શિવાંગીએ સમાજમાં નવો રાહ ચિંધ્યો છે.
પરીક્ષાની શરૂઆત અને લગ્નસરા
સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આજતી બીએ બીકોમ અને બીએસસી સહિત કુલ 35 પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો. જુદા જુદા 130 સેન્ટરો પર 53,000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરંતુ અહીની શાંતિનિકેતન કોલેજ ખાતે પ્રભુતામાં પગલાં માંડતા પુર્વે શિલ્પાબેન ગિરીશભાઈ બગથરિયા તેમના સુરત સ્થિત ભાવિ ભરથાર પાર્થ શૈલેષભાઈ પાડલિયા સાથે પહોંચ્યા હતાં. સુરતથી જાન 15દિવસ પહેલાં આવી પહોંચી હતી. આજે તેઓ લગ્નગ્રંથિથી જોડાતા પહેલાં પરીક્ષા ખંડમાં હાથમાં મહેંદી ને પાનેતર પરીક્ષા આપી હતી. સપ્તપદીનાં ફેરા પુર્વે આખો દિવસ પરીક્ષાની મોડી રાત્રિ સુધી તૈયારી તેઓએ કરી લગ્ન પ્રસંગની સાથે પરીક્ષાની તૈયારીઓ પણ કરી હતી. આજે સવારે અંગ્રેજીનું પેપર આપી લગ્નપ્રસંગનું મુર્હુત સાચવવા માટે લગ્નમંડપમાં પહોંચી જઈ પ્રભુતામાં પગલાં માંડયા હતાં.
મહિલાઓને નવી રાહ ચિંધી
શિવાંગી બગથરિયાએ ગુજરાત સહિત દેશની મહિલાઓ માટે એક દાખલો બેસાડ્યો છે. તેણે લગ્ન કર્યા પહેલા શિક્ષણને મહત્વ આપ્યું છે કે, એટલે કે, શિવાંગીએ લગ્ન કરવા પહેલા તેની પરીક્ષાને મહત્વ આપ્યું અને ગુજરાતમાં લગ્ન કરી રહેલી દિકરીઓ માટે એક દાખલો સાબિત કર્યો અને કહ્યું કે લગ્ન જીવનમાં જરૂરી છે પણ તેની સાથે પુરતુ શિક્ષણ મેળવવું પણ એટલું જ જરૂરી છે.