મુંબઈમાં નોન વેજ ખાનારાઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં તેમને એક જ થાળીમાં ઘણું બધું નોન-વેજ ખાવા મળશે. મુંબઈના પવઈમાં મિની પંજાબ લેકસાઈડના એક પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં એક અદભૂત અને મસાલેદાર નોન વેજ થાળી મળી રહે છે. તમને જણાવી દઈએ કે આ નોન વેજ થાળીનું નામ ખ્યાતનામ ભારતીય કુસ્તીબાજ દારા સિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ થાળીમાં કુલ 44 પ્રકારની વાનગીઓ જમવા મળશે. આ થાળીમાં મટન મસાલા, સિંક કબાબ, ચિકન બિરયાની મક્કે દી રોટી, મટન, બટર ચિકન, ચુર-ચુર નાન પાપડ, સલાડ, ટંગડી કબાબ, કોલી વાડા વગેરે જેવી વાનગીઓ તમે આરોગી શકશો. આ ઉપરાંત થાળીમાં પંજાબની પ્રખ્યાત લસ્સી, છાશ, શિકંજી, બ્લેક કેરલ વગેરે પીરસાય છે.
મીઠી વસ્તુઓની વાત કરીએ તો તેમાં જલેબી, રસગુલ્લા, રબડી, મગ દાળનો હલવો, બરફી પેંડા, માલપુઆ, આઈસ્ક્રીમ વગેરેનો સ્વાદ માણી શકશો. આ પ્લેટ પાછળ જેનો વિચાર છે તે વ્યક્તિ છે નવનીત ચાવલા.

નવનીત ચાવલા કહે છે કે જો કોઈ ત્રીસ મિનિટમાં આ સંપૂર્ણ થાળી ખાઈ જાય, તો તેને કોઈ પણ પ્રકારનું બિલ ચૂકવવું નહીં પડે. રેસ્ટોરન્ટના અન્ય માલિક જગજીત સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધી માત્ર 12 લોકો જ આખી થાળી પૂરી કરી શક્યા છે. જ્યારે સૌથી ઝડપી જમવાની વાત કરીએ તો એક વિદેશી નાગરિક તેને પુરી કરવામાં સફળ રહ્યો હતો. જગજીતે વધુમાં કહ્યું કે વિદેશી નાગરિકે આ થાળી 30 મિનિટ 29 સેકન્ડમાં પૂરી કરી દીધી હતી.