અંબાલાલ પટેલની આગાહી- આગામી ચાર દિવસ પવન સાથે અહી પડશે સાંબેલાધાર વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ચાર દિવસમાં પવન સાથે ભારે વરસાદ વરસશે. તેમણે આગાહી કરી હતી કે દ.ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસશે.

તે સિવાય ભચાઉ, ગાંધીધામ, અબડાસા, રાપરમાં પણ અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. 19-20 જૂલાઈએ અમદાવાદ, વડોદરામાં ભારે વરસાદ વરસશે. ખેડા, નડીયાદ, આણંદમાં પણ ભારે વરસાદની આગાહી કરાઇ છે. અંબાલાલના મતે રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ વરસશે. ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.

સુરત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે. જે મુજબ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગરહવેલી, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. જ્યારે પાટણ , સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ , જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને ક્ચ્છમાં સામાન્ય વરસાદ પડશે.

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. આવતી કાલે ગીર સોમનાથ, જૂનાગઢ અમરેલી, સુરત, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ આગાહી વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગોવિંદ નગર ઈન્ડસ્ટ્રીઝમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. લીબાયત મીઠી ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. અઠવા, મજુરા, રિંગરોડ, પાલ, અડાજણ, વેસુ, મગદલ્લા વિસ્તારમાં વરસાદ છે. ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કોડિનાર, સુત્રાપાડા, વેરાવળ, તાલાલા સહિતના પંથકમાં વરસાદ પડ્યો છે. વેરાવળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડામાં દોઢ ઇંચ, તાલાલામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. કોડીનાર શહેર, દેવળી, પીપળી, છારા, સરખડી રોનાજ, મિતિયાજ, વડનગર, નવાગામ સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.